Wednesday, December 23, 2009

મત આપો, દેશ બદલો.. તો વિરોધ કરવાનું કારણ શું ?


ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કંઈક ને કંઇક એવું કરે છે કે તેમનો વિરોધ થાય. દરેક બાબતમાં ગુજરાતને નંબર-૧ બનાવવાની ખેવના રાખતા આ મુખ્યમંત્રીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદાન ફરજીયાત શું કર્યું કે અમુકને પેટમાં દુખ્યું. મને એ નથી સમજાતું કે આમાં વાંધો શું છે ? મતદાન ફરજીયાત કરવામાં આવે તો મતદાતાઓ કમસેકમ મતદાન મથક સુધી તો પહોચશે.ત્યાં જઈને મત ના આપવો હોય તો તેઓ તે મતલબનો મત આપે. એનાથી એ તો જાણવા મળશે કે કેટલા લોકોને નેતાઓથી જ નારાજગી છે. તેઓ કોઈ નેતા જ નથી ઇચ્છતા. પછી ભલેને તે ગમે પક્ષના હોય. મતદાન ફરજીયાત થવાને કારણે ચૂંટણીઓ પાછળ થતો ખર્ચ લેખે લાગશે. સીધી વાત છે, બધા મત આપે કે ના આપે તો ખર્ચ તો એટલો જ થવાનો છે જેટલો  સૌ માટે થાય. તો પછી મત નથી આપવો એ પ્રકારનો મત આપવાનું પણ ફરજીયાત થાય તેમાં પેટમાં શું કામ દુ:ખે ? અરે ! માત્ર સ્થાનિક સ્વરાજ્ય જ નહિ પણ આ પ્રયોગ તો દેશમાં થવો જોઈએ. મતદાન ઓછું થાય એ ચિંતાની વાત છે. લોશાહી પ્રણાલીમાં મતદાતા જો પોતાના  અધિકારનો ઉપયોગ કરવામાં પણ આળસ કરે તો તેને જગાડવો જ જોઈએ. એ માટે પછી ભલે ને મતદાતાને મત ના આપે તો નોટીસ ફટકારવામાં આવે. પોતે શા માટે મત નથી આપતો એનો જવાબ પણ નાગરિકે આપવો જોઈએ.
ઘણા લોકોની એવી દલીલ છે કે, નેતાઓ જ સારા નથી રહ્યા, કોઈને મત નથી આપવા જેવો. પણ આ વિચારસરણી ખોટી છે. જો તમારી જેમ જ વિચારીને ઘણા બધા લોકો મત આપવા નહિ જાય તો શક્ય છે કે જે સારા નેતા નથી  તેના સમર્થનમાં રહેલા થોડા લોકોના મત પણ તેને જીતાડી દેશે.  તેના કરતા તો તમારે તમારા મતાધિકારનો ઉપયોગ કરી સારા નેતાને ચૂંટવો જોઈએ. આપનો અધિકાર આપ જ ઉપયોગ નહિ કરો તો દેશને લઇ વ્યર્થ ચિંતા કરવાનો તમને કોઈ જ અધિકાર નથી.

No comments:

Post a Comment