Friday, June 17, 2011

થેંક્યુ પપ્પા...

                દિકરી વિશ્વાની શાળા... અને તેને લેવા મુકવાનું મારું કામ... શરૂ થયાને હજુ બે દિવસ થયા. કદાચ તમે આ વાંચો ત્યાં સુધીમાં એકાદ-બે બીજા વધી ગયા હશે. એટલે સરવાળે હજુ ઝાઝો વખત નથી થયો કે, મારી નવી જવાબદારીની શરૂઆત થઈ હોય. દિકરીને શાળાએ મુકવાનો હૈયે હરખ હતો. એક જવાબદારી અદા કર્યાનો સંતોષ હતો. એટલે તેને લઈને હું અને તેની મમ્મી અસ્મિ અને ભાઈ દિવિજ સાગમટે શાળાએ પહોંચ્યા. તેને પહેલીવાર શાળાએ જતા.. નાનકડી નર્સરીમાંથી.. મોટી શાળાએ જવાનો તેનો ઉમળકો જોતા..  મારો હરખ બેવડાતો હતો..  એ હરખના પૂરમાં મે  મનોમન નક્કી પણ કરી  લીધુ કે, વિશ્નાને શાળાએ મુકવી એમાં શું ? હું રોજ મુકી જઈશ અને લઈ જઈશ.  આવા નિર્ણય સાથે તેના ક્લાસમાં પહોંચ્યા. ત્યાં એક સાથે ટેણિયાઓનો જાણે મેળો જામ્યો હોય તેવો માહોલ હતો ને એમાં મહાલવા આવ્યા હોય એમ  મારા જેવા 'હરખપદૂડા' વાલીઓય તૈયાર થઈ થઈ ને આવી ગયા હતા. મને એમ કે, તેને શાળાએ મુકીને ઓફિસ ટાઈમે ઓફિસ પહોંચી જઈશ એટલે તેને મુકવાનું કામ અને ઓફિસ પહોંચવાનું બંને કામ સમયસર પતી જશે. પણ મારું ધાર્યુ થવા દે એ ઉપરવાળો શાનો ? ક્લાસમાં વિશુ સાથે અસ્મિ અને દિવિજ રહેશે એવું વિચાર્યુ હતુ. પણ જેવાં ત્યાં પહોંચ્યા એટલે દિવિજ ચડ્યો તોફાને.. અને વિશુ સાથે બેસવાનો વારો આવ્યો મારો. વિશ્વાને કોઈ પણ વાત સરળતાથી સમજાવવાનું મે કાયમ અસ્મિને કહ્યુ.. પણ એ જ વાત મને ક્લાસની નાનકડી પાટલીએ બેસીને અઘરી લાગતી હતી. એ માંડ માંડ પત્યું... ત્યાં તેનો સંગીત વર્ગ શરૂ થયો. એટલે તેની સાથે સાથે આપણે પણ, "એક બિલાડી જાડી...",  "એક હતો ચકો.. એક હતી ચકી... " સાંભળવાનું.... ગાવાનું... અને તેને શીખવવાનું... !!!! ભલે ભણતી વખતે મેં ગાયું કે ન ગાયું... પણ બાપ બન્યા બાદ, બાલગીત ગાવા પડ્યા. બાપ બન્યા બાદ, ફરી બાળક બનવું પડ્યુ. નાના છોકરાઓ જેવું વર્તન મોટાં થઈને કરવું એટલે... its too tough..  પણ થાય શું ? બાપ બન્યા છીએ.. તો કભી કભી બચ્ચા ભી બનના પડતા હૈ મેરે દોસ્ત.. 
      તેના માટે ક્યા ક્યા પુસ્તકો લાવવા એ યાદી શાળામાંથી  મળી ગઈ. રાત્રે ઓફિસથી આવ્યા બાદ પુસ્તકોની એ જ યાદી સાથે પહોંચ્યો બુક સ્ટોલ. જતી વખતે જ ઘરેથી ટકોર થઈ હતી, "... એ જ પુસ્તક લાવજો.. નહી તો બદલાવવા જવું પડશે."  આ સાંભળ્યુ હતુ એટલે, એટલું તો નક્કી જ હતુ કે, ગમે તે થાય લોચો તો ના જ થવો જોઈએ. યાદીમાં લખેલા પુસ્તકોના નામ શબ્દ-શબ્દ વાંચીને ખરીદેલા પુસ્તક ચેક કર્યા. ભૂલ ન કર્યા ના ગર્વ સાથે ઘરે આવી ને પુસ્તકો બતાવ્યા.  અસ્મિને મારા પર પૂરો ભરોસો હોય ને કે, લોચો હોય જ.. એટલે તેણે પુસ્તકો પર નામ ટીચરને બતાવ્યા પછી લખવાનું સુચન કર્યુ. મને એ વાજબી લાગ્યુ એટલે નામ ન લખ્યા. ( પહેલાં તો મનમાં થયું કે કહી દઉઁ આ બુક્સ છે દવા નહી.. જેમ દવા ડોકટરને બતાવીને વપરાય એમ પુસ્તકોમાં ન હોય. પણ મને શું ખબર કે.... ?!? ) બીજે  દિવસે ટીચરને બતાવવા પુસ્તક લઈને પહોંચ્યો કે તમામ પુસ્તકો કેન્સલ. નામ એ જ હતા.. પણ એક વર્ષ પહેલાંનું વર્ઝન હતું.  હવે પેલો સ્ટેશનરી વાળો વર્ષ પહેલાંનો માલ આપણને પધારાવે તો આપણે શું કરવું ? પછી મને તરત યાદ આવ્યો ડોકટર... જેમ ડોકટરની દવા તેની આસપાસના મેડિકલ સ્ટોરમાં જ મળે એમ  શાળાના પુસ્તક એની બાજુના બુક સ્ટોલમાંથી લેવા સારા. એટલે ત્રીજે દિવસે ત્યાં પહોંચ્યો અને ત્યાંથી જોઈએ તે જ પુસ્તકો મળતા હાશકારો થયો.. પણ આ હાશકારા સાથે મન સામેથી સટાસટ મારા અભ્યાસકાળના વર્ષો સડસડાટ વીતી ગયા. એક નાનકડું કામ પતાવતા ત્રણ દિવસ ગયા. એટલે વિચાર આવ્યો કે,  વિશ્વાની શાળાની હજુ તો શરૂઆત છે ત્યારે આ હાલ છે.. તો હું તો આટલા વર્ષો ભણ્યો... ક્યારેય પપ્પાએ એ બાબતે સ્હેજ પણ ઓછુ નથી આવવા દીધુ. એક નાનકડાં ગામડાંની શાળાથી શહેરની સેલ્ફ ફાઈનાન્સ કોલેજ સુધી એમણે મને ભણાવ્યો. તમામ જરૂરીયાતો પૂરી પાડી. સુવિધાઓ આપી. સાથ આપ્યો. હૂંફ આપી. જો એમનો આ પ્રેમ-સાથ-હૂંફ ન હોત તો.. પ્રાથમિકથી લઈ એમ.ફીલ સુધી ભણવાનું અને આકાશવાણી-દૂરદર્શન-ઈ.ટીવી કે ટીવી નાઈન જેવી સંસ્થાઓ સાથે કામ કરવાનું મનોબળ મારામાં ન આવ્યું હોત. 
         ફાધર્સ ડે ના દિવસે કદાચ તમને ફોન પર કહીશ તો તમને અજુગતુ લાગશે... પણ અહીં એટલું તો ચોક્કસ લખીશ કે.... થેંક્યુ પપ્પા....

Wednesday, December 23, 2009

મત આપો, દેશ બદલો.. તો વિરોધ કરવાનું કારણ શું ?


ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કંઈક ને કંઇક એવું કરે છે કે તેમનો વિરોધ થાય. દરેક બાબતમાં ગુજરાતને નંબર-૧ બનાવવાની ખેવના રાખતા આ મુખ્યમંત્રીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદાન ફરજીયાત શું કર્યું કે અમુકને પેટમાં દુખ્યું. મને એ નથી સમજાતું કે આમાં વાંધો શું છે ? મતદાન ફરજીયાત કરવામાં આવે તો મતદાતાઓ કમસેકમ મતદાન મથક સુધી તો પહોચશે.ત્યાં જઈને મત ના આપવો હોય તો તેઓ તે મતલબનો મત આપે. એનાથી એ તો જાણવા મળશે કે કેટલા લોકોને નેતાઓથી જ નારાજગી છે. તેઓ કોઈ નેતા જ નથી ઇચ્છતા. પછી ભલેને તે ગમે પક્ષના હોય. મતદાન ફરજીયાત થવાને કારણે ચૂંટણીઓ પાછળ થતો ખર્ચ લેખે લાગશે. સીધી વાત છે, બધા મત આપે કે ના આપે તો ખર્ચ તો એટલો જ થવાનો છે જેટલો  સૌ માટે થાય. તો પછી મત નથી આપવો એ પ્રકારનો મત આપવાનું પણ ફરજીયાત થાય તેમાં પેટમાં શું કામ દુ:ખે ? અરે ! માત્ર સ્થાનિક સ્વરાજ્ય જ નહિ પણ આ પ્રયોગ તો દેશમાં થવો જોઈએ. મતદાન ઓછું થાય એ ચિંતાની વાત છે. લોશાહી પ્રણાલીમાં મતદાતા જો પોતાના  અધિકારનો ઉપયોગ કરવામાં પણ આળસ કરે તો તેને જગાડવો જ જોઈએ. એ માટે પછી ભલે ને મતદાતાને મત ના આપે તો નોટીસ ફટકારવામાં આવે. પોતે શા માટે મત નથી આપતો એનો જવાબ પણ નાગરિકે આપવો જોઈએ.
ઘણા લોકોની એવી દલીલ છે કે, નેતાઓ જ સારા નથી રહ્યા, કોઈને મત નથી આપવા જેવો. પણ આ વિચારસરણી ખોટી છે. જો તમારી જેમ જ વિચારીને ઘણા બધા લોકો મત આપવા નહિ જાય તો શક્ય છે કે જે સારા નેતા નથી  તેના સમર્થનમાં રહેલા થોડા લોકોના મત પણ તેને જીતાડી દેશે.  તેના કરતા તો તમારે તમારા મતાધિકારનો ઉપયોગ કરી સારા નેતાને ચૂંટવો જોઈએ. આપનો અધિકાર આપ જ ઉપયોગ નહિ કરો તો દેશને લઇ વ્યર્થ ચિંતા કરવાનો તમને કોઈ જ અધિકાર નથી.

હાશ.. હવે લખાશે..

ઘણું બધું લખવું છે. કેટલા બધા વિચારો મનમાં છે. જેને તમારી સાથે share કરવા છે. રોજ રોજ કંઇક લખવાની ઈચ્છા તો છે, પણ સમય એ ઈચ્છા ને પૂરી કરવા દેતો નથી. પહેલા તો બ્લોગ વિશે કશું જાણતો જ નહોતો.. પણ જ્યારથી ઉર્વીશ કોઠારીનો બ્લોગ વાંચવાનું શરુ કર્યું છે, ત્યારથી જયારે જયારે વાંચું ત્યારે મને થતું કે હું પણ કંઈક લખું. રોજ લખવાનું તો ઘણું થાય છે, પણ તે ન્યૂઝને લગતું જ. આથી આ એક એવું માધ્યમ બનશે કે જેના પર લખવાની એષણા પૂરી થશે.

જીતેન્દ્ર બાંધણીયા, બુલેટીન પ્રોડ્યુસર, ટીવી ૯, ગુજરાત 

Wednesday, November 18, 2009

New world and new work for me

Hello Frnds,

Blog is the way, that connect us.
and hope to get touch with u every now and than
always remember
Love Gujarat, Becoz Gujarat is Our 'MATRUBHUMI'